ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. ત્રિવેદી કારમાંથી નીકળીને પોતાના નર્સિંગ હોમની દિશામાં જવા માટે આગળ વધ્યા ત્યાં જ હાથમાં સાવરણો પકડીને રસ્તો વાળતો સફાઈ કામદાર રામુ એમની સામે આવીને ઊભો રહી ગયો. ડો. ત્રિવેદીએ પૂછ્યું, ‘શું ચાલે છે, રામુ? બધું બરાબર છે ને?’
‘સાહેબ, મારો દીકરો બીમાર છે. ત્રણ દિવસથી એને તાવ આવે છે, ઉલટીઓ થાય છે, માથું દુ:ખે છે. મારા ઘરના એરિયામાં એક ખાનગી દવાખાનામાં એને દાખલ કરેલો છે. બિલ વધતું જાય છે અને તકલીફ પણ વધતી જાય છે. આજે તો એની હાલત…’
‘તારે શું કરવું છે? દીકરાને મારી સારવાર માટે શિફ્ટ કરવો છે? મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં લઈ જવો છે? એક વાત સમજી લે, તારા દીકરાનો તાવ મટતાં ઓછામાં ઓછા બીજા બે-ત્રણ દિવસ તો લાગશે જ. હું વાજબી ફી લઈશ, પણ દાખલ થયા પછી તું પૂછપરછ, ઉતાવળ કે કચકચ નહીં કરતો.’
રામુ ભલે આર્થિક રીતે ગરીબ હતો પણ પુત્રપ્રેમની વાતે અમીર હતો, ‘સાહેબ, મારા જીગરના ટુકડાને બચાવી લો. હું એક શબ્દ પણ નહીં બોલું. તમે જેમ કહેશો તેમ કરીશ.’
‘સારું’ ડો. ત્રિવેદીએ કહ્યું, ‘હું ઉપર જાઉં છું. તું દીકરાને લઈને આવી જા.’ રામુ સાવરણો એના સાળાને સોંપીને રિક્ષામાં ઉપડ્યો. વટવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાંથી એના આઠ વર્ષના દીકરા ઐલેશને લઈ આવ્યો.
ડો. ચેતન ત્રિવેદી પોતાના બાળ દર્દીઓને તપાસવામાં વ્યસ્ત હતા, નર્સે આવીને માહિતી આપી, ‘સર, રામુભાઈ આવી ગયા છે પણ એમના દીકરાની હાલત ગંભીર લાગે છે. એને આંચકી આવી રહી છે.’
ડો. ત્રિવેદીએ વેઈટિંગમાં હતાં એ તમામ બાળકોનો ક્રમ તોડીને ઐલેશને અંદર લેવડાવ્યો. બાપડું બચ્ચું સાવ નિસ્તેજ, નિષ્ક્રિય બનીને બાપના ખોળામાં પડેલું હતું. કન્વલઝન્સ ચાલુ હતા. આ સ્થિતિમાં નિદાન વિશે વિચારવા જેટલો સમય ન હતો. પહેલું કામ બાળકને આવતી ખેંચ બંધ કરવાનું હતું. ડોક્ટરે લોરાઝિપામ ઈન્જેક્શન આપ્યું. ત્વરિત અસરથી ખેંચ બંધ થઈ ગઈ. પછી તાવ માપ્યો. ચોંકી જવાયું. 104 ડિગ્રી ફેરનહિટ જેટલો તાવ હતો. એ ઉતારવા માટે બીજું ઈન્જેક્શન આપ્યું.
હવે ડો. ત્રિવેદી પાસે બ્રિધિંગ ટાઈમ હતો. ઐલેશને રૂમમાં એડમિટ કરીને એને ગ્લુકોઝનો બાટલો ચાલુ કરી લીધો. પછી એની સંપૂર્ણ શારીરિક તપાસ શરૂ કરી. બે-ત્રણ બાબતો ધ્યાન ખેંચતી હતી. એક તો ઐલેશ ઘેનમાં લાગતો હતો (ઈન્જેક્શન આપ્યું તેની પહેલાથી જ). એ કોઈને ઓળખી શકતો ન હતો. બીજું, એને ચત્તો સૂવડાવીને માથું વાળવાનો પ્રયત્ન કરતી વખતે એની ડોક કડક રહેતી હતી (નેક રિજિડિટી). માથું અને પગ એક સાથે વાળી શકાતાં ન હતાં.
ડો. ત્રિવેદીનું દિમાગ ત્રીસ વર્ષોના અનુભવથી કમ્પ્યૂટરની ઝડપે કામ કરી રહ્યું હતું. તાવ, ઉલટીઓ અને માથાનો દુ:ખાવો મેનિન્જાઈટિસ તરફ સંકેત કરી રહ્યા હતા, તો એનું બદલાયેલું વર્તન, ચીસો પાડવી, ગમે તેમ બક-બક કરવું, ઉશ્કેરાયેલી હાલત આ બધાંનો ઈશારો મેનિન્ગો-એન્સેફેલાઈટિસ તરફ જતો હતો.
રૂટિન ઈન્વેસ્ટિગેશન માટે ઐલેશનું બ્લડ મોકલી આપવામાં આવ્યું હતું. લેબમાંથી જે રિપોર્ટ આવ્યો તે એવો હતો જેનાથી સ્પષ્ટ નિદાન પર ન આવી શકાય. બાળકના મગજમાં બેક્ટેરિયલ, વાઈરલ અથવા ટી.બી.નાં જંતુઓનો ચેપ લાગ્યો હોઈ શકે એવું અનુમાન થઈ શકે. ત્રણ દિવસની સારવાર પછી પણ નિદાન નક્કી થતું ન હતું.
ઐલેશ આખો દિવસ સૂનમૂન પડ્યો રહે. ક્યારેક ચીસો પાડવા માંડે. કોઈને ઓળખે નહીં. એનાં સગાંઓને વળગાડનો વહેમ પડવા લાગ્યો. ડો. ત્રિવેદીએ પ્રથમ દિવસથી જ એન્ટિબાયોટિક્સ, એન્ટિવાઈરલ ઈન્જેક્શન્સ અને ત્રણ ટકા નોર્મલ સેલાઈન ઐલેશની નસમાં આપવાનું શરૂ કરી દીધું હતું. મગજની આસપાસનું દબાણ ઘટવાથી ઐલેશની ખેંચ અને માથાનો દુ:ખાવો મહદ્અંશે ઓછો થઈ ગયો હતો.
મોટી મૂંઝવણ સાચું નિદાન પકડવાની હતી, જે કોઈ પણ પરીક્ષણમાં જાણવા મળતું ન હતું. બ્લડ રિપોર્ટ્સ દ્વારા ખાસ મદદ મળી નહીં એટલે નક્કી કરવામાં આવ્યું કે બાળકની કરોડરજ્જુ ફરતેનું પાણી ખેંચીને તપાસ માટે મોકલવું. આ માટે આવડા નાના બાળકને કરોડસ્થંભના મણકાઓ વચ્ચે સોય મારવી પડે. સગાંઓ સંમતિ આપવા તૈયાર ન થયાં, ઐલેશની માસી સમજદાર હતી, તેણે હા પાડી. આ પ્રવાહીનો રિપોર્ટ પણ પાક્કું નિદાન ન આપી શક્યો.
એક તરફ દિવસો ભાંગતા જતા હતા, બીજી બાજુ પૈસા પાણીની પેઠે ખર્ચાતા જતા હતા. ઝેડ. એન. સ્ટેઈનનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા માટેનો રિપોર્ટ પણ નોર્મલ આવ્યો. ટી.બી.ના નિદાન માટે સી.બી. નેટ અને જીન એક્ષ્પેન્ટ ટેસ્ટ કરાવવામાં આવ્યા. બધું નેગેટિવ
જાણવા મળ્યું.
છેવટે ડો. ત્રિવેદીએ મલ્ટિપ્લેક્સ પી. સી. આર. ટેસ્ટ કરાવવાનું વિચાર્યું. આ માટે એમણે રામુને વિશ્વાસમાં લેવો પડ્યો, ‘ભાઈ, આ કોમ્બો પેક ટેસ્ટ છે. એનાથી દસ હજાર જેટલા બેક્ટેરિયા, વાઈરસ અને ફંગસ જેવા ચેપ પકડાઈ જાય છે. સામાન્ય રીતે આ ટેસ્ટ અમારે ક્યારેય કરાવવો પડતો નથી પણ તારા દીકરા માટે આ ટેસ્ટ જરૂરી લાગે છે.’
રિપોર્ટ આવી ગયો. એ વાંચીને ડો. ત્રિવેદી ઉછળી પડ્યા. દસ હજારની ભીડમાંથી એક છુપાયેલો ચોર મળી આવે ત્યારે પોલીસને કેટલો આનંદ થાય? એટલી ખુશી ડો. ત્રિવેદીને થઈ હતી. રિપોર્ટમાં શું હતું? ઐલેશના મગજમાં લાગુ પડેલા ઈન્ફેક્શન માટે એક પણ બેક્ટેરિયા કે ફંગસ જવાબદાર ન હતા. મોટા ભાગના વાઈરસ પણ કારણભૂત ન હતા. મંપ્સ નામનો વાઈરસ જેને આપણે ગાલપચોળિયાના કારણે ઓળખીએ છીએ એ ઐલેશની બીમારી માટે જવાબદાર હતો. હવે આમાં ‘રેર’ કહી શકાય તેવું શું હતું?
મંપ્સનો વાઈરસ બાળકોમાં ગાલપચોળિયા કરે છે અને એ બીમારી બહુ ‘કોમન’ છે, પણ આ વાઈરસના કારણે મેનિંગો-એન્કેફેલાઈટિસની બીમારી ઉત્પન્ન થાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. ઐલેશના પિતાને પૂછ્યું કે ભૂતકાળમાં (નજીકના કે દૂરનાં) ઐલેશને ગાલપચોળિયા થયા હતા ખરા? આ પ્રશ્નનો જવાબ ‘ના’માં મળ્યો. આ તો વળી ભાગ્યે જ જોવા મળતી ઘટના હતી.
નિદાન થયું ત્યાં સુધીમાં આઠ-દસ દિવસ પસાર થઈ ગયા હતા. ડો. ત્રિવેદીએ રામુને પૂછ્યું, ‘ભાઈ, મેં તને કહ્યા હતા એનાથી વધુ દિવસો થઈ ગયા છે. મારી ફીની વાત ન કરીએ તો પણ દવાઓ અને ટેસ્ટ્સમાં જ તારા હજારો રૂપિયા ખર્ચાઈ ગયા છે. હવે બીમારીનાં વળતાં પાણી છે, પણ દીકરાને હોસ્પિટલમાં રાખવો તો પડશે જ. તારી શું ઈચ્છા છે? જનરલ હોસ્પિટલમાં શિફ્ટ થઈ જવું છે?’
‘ના, સાહેબ.’ રામુની આંખો છલકાઈ ઊઠી, ‘જીના યહાઁ, મરના યહાઁ, ઈસકે સિવા જાના કહાઁ? તમે જ નિદાન કર્યું છે, તમે જ એને સાજો કરજો.’ ઐલેશની હાલતમાં જોઈ શકાય તેવો સુધારો થઈ રહ્યો હતો. ચીસો પાડવાનું બંધ થઈ ગયું હતું, પાંચમા દિવસ પછી તાવ આવ્યો ન હતો, ગરદનની અક્કડતા દૂર થઈ ગઈ હતી, એ હવે બધાંને ઓળખવા લાગ્યો હતો. એક દિવસ ડો. ત્રિવેદી જ્યારે રાઉન્ડ લેવા માટે આવ્યા ત્યારે એમણે જોયું તો ઐલેશ મોબાઈલ ફોનમાં વિડીયોઝ જોઈ રહ્યો હતો.
જે બાળકને લાશની સ્થિતિમાં, આંચકી ખાતો, મોંમાંથી ફીણ કાઢતો અને તરફડતો જોયો હોય તેને જિંદગીની સીમારેખાની અંદર પાછો ફરતો અને હસતો-રમતો જોવો એટલે શું કહેવાય એની જાણ માત્ર એ બાળકનાં માતા-પિતા અને એની સારવાર કરનાર ડોક્ટરને જ હોઈ શકે છે.
- શીર્ષકપંક્તિ : ઘાયલ
Great work done sir
મારી દીકરી જન્મી ત્યારે ગર્ભ માં જ ગંદુ પાણી પી ગઈ હતી, જન્મ ની થોડી મિનિટો મા જ સારવાર માટે અહી રાખવામાં આવી હતી.. આજે મારી દીકરી 10 વર્ષ ની થયી ગઈ છે…જ્યારે પણ એ માંદી થયી છે ત્યારે ચેતન સર ની સારવાર થી એ રમતી થયી છે.કેહવાય છે કે ડોક્ટર એ બીજા ભગવાન છે તો..આ લાઈન ચેતન સર માટે હું ચોક્કસ કહી શકું ..
Good job… Excellent work 👌👌